Wed. Jan 29th, 2020

આજે ત્રીજી ટી20, ભારતનો વધુ એક ક્લીન સ્વિપના ઈરાદાથી ઉતરશે


એજન્સી, બેંગ્લુરુ: વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં ટી20, વન-ડે અને ટેસ્ટ સિરીઝમાં હરીફ ટીમનો વ્હાઇટવોશ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે વધુ એક ક્લીન સ્વિપ કરવાના ઇરાદા સાથે રવિવારે અહીં રમાનારી ત્રીજી ટી20 ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ ભારતે બે દિવસ અગાઉ મોહાલી ખાતેની બીજી ટી20માં સાત વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. રવિવારની મેચ સાંજે 7.00 કલાકે શરૂ થશે.

આ મેચ જીતીને આગેકૂચ કરવા પાછળના ભારતના ઇરાદાનું બીજું કારણ એ પણ છે કે બંને ટીમ વચ્ચે આગામી સપ્તાહથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ સિરીઝનો વિજય ટેસ્ટમાં ભારતને મનોવૈજ્ઞાનિક લાભ અપાવી શકે તેમ છે. મોહાલીમાં સાઉથ આફ્રિકાના મજબૂત પ્રારંભ બાદ ભારતીય બોલર્સે વળતો પ્રહાર કર્યો હતો અને ત્યાર બાદ વિરાટ કોહલીએ અણનમ અડધી સદી ફટકારીને ભારતને સાત વિકેટે વિજય અપાવ્યો હતો. જોકે છેલ્લી કેટલીક મેચની માફક આ વખતે પણ ભારત રિશભ પંતની રમતની સમીક્ષા કરશે કેમ કે પંત નિષ્ફળ જઈ રહ્યો છે અને તેને વારંવાર તક અપાઈ રહી છે. તે દરેક મેચમાં ખોટા શોટમાં આઉટ થાય છે. મોહાલીમાં પણ બિનજરૂરી સ્ટ્રોક ફટકારવામાં જ તેણે પોતાની વિકેટ ફેંકી દીધી હતી.

બીજી તરફ સાઉથ આફ્રિકન ટીમમાં નવોદિતોની સંખ્યા વધારે છે એ જોતાં તેમની પાસેથી જંગી પ્રદર્શનની અપેક્ષા રખાતી નથી. જોકે ટી20માં ગમે ત્યારે પાસું પલટાઈ જતું હોય છે અને પ્રવાસી ટીમમાં પ્રતિભાની કમી નથી તે જોતાં વિરાટ કોહલીની ટીમ આ મેચમાં પણ હરીફને હળવાશથી નહીં લે.

રિશભ પંત અંગે અલગ અલગ અભિપ્રાય પ્રવર્તી રહ્યા છે. કોહલી સહિત ટીમ મેનેજમેન્ટ તેની તરફદારી કરીને વારંવાર તક આપી રહી હોવાનું પણ કહેવાય છે તો સ્ટ્રોક માટેની તેની પસંદગી વિવાદાસ્પદ રહી છે જેની આકરી ટીકા પણ થઈ રહી છે.

મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે હજી શુક્રવારે જ રિશભ પંતની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારત માટે હવે ધોની પછીના વિકલ્પ વિશે વિચારવાનો સમય આવી ગયો છે ત્યારે પંત યોગ્ય વિકલ્પ છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપને હવે એકાદ વર્ષ જ બાકી છે ત્યારે પંતને સેટ થવા માટે સમય આપવો જોઇએ. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ એક રીતે વિરાટ કોહલીનું હોમગ્રાઉન્ડ છે કેમ કે આઇપીએલમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ માટે આ મેદાન પર સંખ્યાબંધ મેચો રમેલો છે.

કોહલી સિવાય રોહિત શર્મા અને શિખર ધવન પર પણ સૌની નજર રહેશે. મોહાલીમાં આ બંનેએ રબાડા સહિતના બોલિંગ આક્રમણનો આસાનીથી સામનો કર્યો હતો. સાઉથ આફ્રિકાની સમસ્યા તેના ખેલાડીઓના સાતત્યની રહેલી છે. કેટલાક ખેલાડી પ્રતિભાશાળી છે પરંતુ તેમનામાં સાતત્યનો અભાવ છે. ભારત જેવી મજબૂત ટીમ સામે તેમણે ટીમવર્ક દાખવવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: