Wed. Jan 29th, 2020

બિન સચિવાલયની પરીક્ષા થઈ શકે છે રદ, CCTVના પુરાવા સાચા હોવાનું FSLનું માન્યું


  • FSLની તપાસમાં પેપર લીક થયાનું સામે આવ્યું
  • મોબાઇલ મેસેજના આધારે પેપર લીક થયાનું સામે આવ્યું
  • પરીક્ષાના નિયત સમય પહેલા પેપર લીક થયું હતું

ગાંધીનગર : જીએડીના અગ્ર સચિવ કમલ દયાનીના અધ્યક્ષ સ્થાને શનિવારે યોજાયેલી સીટની બેઠકમાં બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને તે સંદર્ભમાં અપાયેલા પુરાવાઓ અંગે લાંબી ચર્ચા વિચારણા થઇ હતી.

સીટની બેઠકમાં એફ.એસ.એલ.ના નિષ્ણાતો હાજર રહ્યા હતા આજે મળેલી બેઠકમાં એફ.એસ.એલ. રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ સીસીટીવ ફૂટેજ અને મોબાઇલ ડેટાનો પુરાવા તરીકે ચકાસણીનો રિપોર્ટ એસ.આઈ.ટીને સોંપ્યો છે. એફ.એસ.એલ રિપોર્ટમાં પ્રાથમિક રીતે વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીક થવાના પુરાવા અને સીસીટીવી ફૂટેજમાં તથ્ય જણાઈ રહ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ રિપોર્ટ આવતીકાલે સુપ્રત કરવામાં આવે એવી શક્યતા છે. રિપોર્ટ મળ્યા બાદ મુખ્યમંત્રી અન્ય સિનિયર મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ સહિતના કેટલાક સનદી અધિકારીઓ સાથે બેઠક કરશે અને આ રિપોર્ટના આધારે હવે પરીક્ષા રદ્દ કરવી કે અન્ય કોઇ કાર્યવાહી કરવી તેની ચર્ચા વિચારણા કરશે.

સચિવાલયના સૂત્રો જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ્દ કરવી કે નહીં તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. આજે મળેલી મીટીંગ અને એફ.એસ.એલ. ના રિપોર્ટ અને ધ્યાન રાખીએ તો કેટલાક અધિકારીઓ એવું તારણ કાઢી રહ્યા છે કે સરકાર કદાચ સમગ્ર પરીક્ષાને પણ રદ કરી શકે છે. કારણકે એફ.એસ.એલ. રિપોર્ટમાં પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા હોવાનો ખુલાસો થઈ ગયો છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરના રોજ યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી એસ.આઈ.ટી. ને આજે 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આજે આવેલા એફ.એસ.એલ. રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલયપરીક્ષા થઈ રદ્દ થઈ શકે છે.

%d bloggers like this: