Wed. Jan 29th, 2020

લો, હવે ભારતીય નાગરિકત્વ ઑનલાઇન આપવાનો વિચાર છે!


એજન્સી
નવી દિલ્હી: કેન્દ્ર સુધારિત નાગરિકત્વ ધારા હેઠળ નાગરિકત્વ ઑનલાઇન આપવાનું વિચારી રહ્યું છે અને જો તેનો અમલ કરાશે તો આ કાયદાનો વિરોધ કરી રહેલાં રાજ્યોનો સહકાર લીધા વિના કે દખલગીરી વગર આ પ્રક્રિયા પૂરી કરવાની આશા રખાય છે.

ગૃહ મંત્રાલય જિલ્લા મૅજિસ્ટ્રૅટ દ્વારા નાગરિકત્વની પ્રક્રિયા પૂરી કરાવવાને બદલે ઑનલાઇન કામગીરી પૂરી કરવાનું વિચારે છે. દરમિયાન, કેરળ વિધાનસભામાં આ ધારો રદ કરવાની માગણી કરતો ખરડો મંગળવારે પસાર કરાયો હતો.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે નાગરિકત્વ આપવાની આખી પ્રક્રિયા જિલ્લા મૅજિસ્ટ્રૅટના હાથે પૂરી કરાવવાને બદલે વિકલ્પ વિચારી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે જો નાગરિકત્વ આપવાની આખી પ્રક્રિયા ઑનલાઇન પૂરી કરાશે તો તેમાં રાજ્યોની દખલગીરી નહિ થઇ શકે.

ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે બંધારણના સાતમા પરિશિષ્ટની કેન્દ્રીય યાદી હેઠળ આ ધારો ઘડાયો હોવાથી દેશનું કોઇપણ રાજ્ય તેનો અમલ કરવાનો ઇનકાર કરી ન શકે. બંધારણમાંની કેન્દ્રીય યાદીમાંની ૯૭ બાબતમાં સંરક્ષણ, વિદેશી બાબતો, રેલવે, નાગરિકત્વ વગેરે આવે છે.

સરકારે ૨૦૧૪ની ૩૧મી ડિસેમ્બર પહેલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાંની ધાર્મિક સતામણીથી કંટાળીને ભારત નાસી આવેલા હિંદુ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ લોકોને ભારતનું નાગરિકત્વ આપતી જોગવાઇ નવા કાયદામાં કરી છે.

%d bloggers like this: