Wednesday, 24 July 2019 | Login
આર્થિક ભાગેડુઓની સંપત્તિ હવે જપ્ત જશે, બિલ સંસદમાં પસાર

આર્થિક ભાગેડુઓની સંપત્તિ હવે જપ્ત જશે, બિલ સંસદમાં પસાર Featured

એજન્સી : નવી દિલ્હી

નીરવ મોદી, માલ્યા જેવા આર્થિક અપરાધીઓ પર લગામ આવશે

સંસદના ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસે રાજ્યસભામાં મહત્વનું આર્થિક ભાગેડુઓ અંગેનું બિલ પસાર કરી દેવાયું છે. બુધવારે લોકસભામાં પૂર અને દુષ્કાળની સ્થિતિ વિશે ચર્ચા થઈ હતી જ્યારે રાજ્યસભામાં ફ્યુજિટિવ ઈકોનોમિક અપરાધી બિલ પસાર કરવામાં આવ્યું હતું જે હવે વટહુકમનું સ્થાન લેશે. 

૧૯ જુલાઈ ૨૦૧૭માં આ લોકસભામાં આ બિલને મંજૂરી અપાઈ હતી. નીરવ મોદી અને વિજય માલ્યા જેવા આર્થિક અપરાધીઓ પર લગામ લગાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, આવા અપરાધીઓની સંપત્તિને પણ ટાંચમાં લેવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવેલી છે.

નાણા મંત્રી પીયૂષ ગોયલે આ બિલમાં સામેલ જોગવાઈઓ વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે કોઈ કંપનીના નાના શેરધારકોના હિતોની પણ રક્ષા કરાશે. આ ઉપરાંત લોન લઈને નાસી જનારાની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. એ સિવાય કોર્ટ નક્કી કરશે કે જે તે વ્યક્તિ દોષિત છે કે નહીં.

આવા અપરાધીઓનાં પ્રત્યાર્પણ અંગે ગોયલે કહ્યું હતું કે ભારતની ૪૮ દેશો સાથે સંધિ છે અને તેમાં વધારો કરાઈ રહ્યો છે. કોશિશ એવી છે કે દુનિયાના દરેક દેશ સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિ હોય. 

દરમિયાન, રાજ્યસભામાં પ્રાચીન સ્મારક બિલ અંગે હંગામો થયો હતો. જેમાં વિપક્ષે માગણી કરી હતી કે બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે અને આગામી સત્રમાં આ બિલ પસાર કરાવવામાં આવે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું હતું કે મોદી સરકારમાં ખેડૂતો માટે એવી નીતિઓ બનાવવામાં આવી છે, જેનાથી તેમને આત્મહત્યા ન કરવી પડે. 

જ્યારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ લોકસભામાં કહ્યું હતું કે આફત વખતે સરકારની પ્રાથમિકતા છે કે ઝડપથી એ વિસ્તારમાં રાહત પહોંચાડવામાં આવે અને તેના પછી નુકસાનનો અંદાજ મેળવીને આર્થિક મદદ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે કુદરતી આફતમાં મૃત્યુ પામનારા લોકોનાં પરિવારજનોને અપાતી સહાય રકમ રૂ. ૧.૫ લાખથી વધારીને ૪ લાખ કરી દેવાઈ છે. 

About Author