Wednesday, 24 July 2019 | Login
અંગારકી સંકષ્ટ ચતુર્થી : વિઘ્નહર્તા દેવ ગણેશની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ

અંગારકી સંકષ્ટ ચતુર્થી : વિઘ્નહર્તા દેવ ગણેશની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ

અમદાવાદ

વિઘ્નહર્તા દેવ ગણેશજીની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ તા.૩૧મી જુલાઈના રોજ આવે છે. વિક્રમ સંવત-૨૦૭૪ની ત્રીજી અને અંતિમ અંગારકી સંકષ્ટ ચતુર્થી આવી રહી છે. આ દિવસે ગણેશ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડશે. આ દિવસે કરવામાં આવતું વ્રત ૨૧ ચોથ કર્યાનું ફળ પ્રદાન કરે છે. ઉલ્લેખનીય છે કે વિક્રમ સંવત-૨૦૭૫માં અંગારકી સંકષ્ટ ચતુર્થી માગશર મહિનામાં તા.૨૫મી ડિસેમ્બરે આવશે.  

પ્રાચીન સિદ્ધિ વિનાયક મંદિર-ભદ્રના રવીન્દ્રભાઈ સપ્તર્ષિએ જણાવ્યું કે વિક્રમ સંવત-૨૦૭૪ની અંતિમ અંગારકી સંકષ્ટ ચતુર્થી તા.૩૧મી જુલાઈના રોજ આવી રહી છે. આ દિવસે મંદિરમાં વિશિષ્ટ અભિષેક થશે. આ દિવસે મંદિર સવારે ૩.૦૦ વાગ્યે ખુલી જશે. સવારે ૩.૦૫ મિનિટે મંગળા આરતી થશે. ગણેશ અથર્વશીર્ષ સાથે અભિષેક પણ થશે. સાંજે ૬.૦૦ વાગ્યે સંધ્યા આરતી થશે. જ્યારે મંદિર રાત્રે ૧૧.૦૦ વાગ્યે મંદિર બંધ થશે. આ દિવસે અમદાવાદમાં ચંદ્રોદય રાત્રે ૯.૪૩ મિનિટે થશે. 

તેમણે જણાવ્યું કે ૨૧ ચોથ કર્યાનું ફળ આપતી આ અંગારકી સંકષ્ટ ચતુર્થીનું વ્રતના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ દિવસે અનેક ભક્તો પગપાળા પણ વિવિધ વિસ્તારોમાંથી આવતા હોય છે. હવે પછી વિક્રમ સંવત-૨૦૭૫માં તા.૨૫મી ડિસેમ્બરે અંગારકી સંકષ્ટ ચતુર્થી આવશે.

જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું કે સૌથી મોટા ચંદ્રગ્રહણ બાદ અંગારકી સંકષ્ટ ચતુર્થી આવે છે ત્યારે સંકટ-વિઘ્નોથી જે પણ ઘેરાયેલા હોય તેવા વ્યક્તિઓએ આ અંગારકી સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ. લાલ ફૂલ, મોદક, લાલ વસ્ત્રનું પણ દાન કરવું જોઈએ. આ દિવસે વિદ્યાકીય સફળતા માટે આ દિવસે ‘ઓમ્ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરવો જોઈએ. પીળો અને લાલ રંગનો ઊનનો દોરો જમણા હાથે બાંધવાથી લાભ થાય છે. અષાઢ મહિનાની અંગારકી સંકષ્ટ ચતુર્થીથી શરૂ કરીને ભાદરવા સુદ ચતુર્દશી સુધી જે ગણેશજીનું અનુષ્ઠાન કરે છે, તેના ઉપર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.   સાથોસાથ ગણેશ અથર્વશીર્ષનો પાઠ અને શ્રીસંકષ્ટનાશન ગણેશ સ્તોત્રનું પઠન પણ ઉત્તમ ફળદાયી બની રહેશે.

Source: NGS

About Author